વેકેશન તો બાળકોનું પણ મરજી કોની?

વેકેશન ના સમય માં બાળકોને પોતાની મરજી મુજબની પ્રવુતિઓ કરવાદેવી જોઈએ કે તેમના વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવુતિઓ માં તેમને નાખી દેવા જોઈએ?. આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંજવણ એ છે ક્યો માર્ગ બાળકો માટે ઉતમ છે. ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપીક છે, આ એવા વિષય ઉપર ની ચર્ચા છે કે તેનો અંત આવતો નથી ચર્ચા ના અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ કે સોલુશન ઉપર આવી શકતા નથી હમેશા આ ચર્ચા ઇંફાઈનેટ લૂપમાં (ગોળ-ગોળ ફર્યા કરવું) જતી રહે છે, આ સમસ્યા પ્રમાણ માં નવી છે સૈકાઓ જૂની નથી મારી પેઢીના સમયની પણ નથી જ પરંતુ છેલ્લા 20 વર્ષથી સમાજમાં ખુબજ જાગૃતિ આવી છે, શિક્ષણના પ્રમાણમાં મોટો વધારો જોવા મળે છે જેને લીધે આજના સમય ના માતા-પિતા બાળકોની પરીક્ષા બાબતે જેટલા ચિંતિત હોય છે તેનાથી થોડાક જ ઓછા ચિંતિત પરીક્ષા પૂર્ણ થયા પછીના વેકેશનના સમયગાળા બાબતે પણ હોય છે. અમારા સમયના વેકેશન વિષે જો ખુબજ ઓછા શબ્દોમાં કહેવું હોયતો તે એ છે કે પરીક્ષા પૂરી થતાજ. (અહિયાં નીચે કાવ્યાત્મક રજૂઆત કરી છે, મારો આ પ્રથમ પ્રત્યન છે અને ક્ષતિ તરફ ધ્યાન દોરશો)

કરી થેલા-થેલી ભેગા અમો થયા મામાના ઘર ભેગા

હવે નહીં વિલંબ પળ નો પણ, માંડીશું ડગ તે ભણી મોટા-મોટા

કરી ભેળા ભાઈ-બંધુ ને કહી દીધું હમણાં નહીં મળીશું આપણે મોટા

કરી થેલા-થેલી ભેગા અમો થયા મામાના ઘર ભેગા

ખાસું-પિસું ને કરીશું ટેસ, બાળપણ ને વળી શેની ઠેસ

હવે ના કોઈ રોકસે, ટોકસે કે વઢસે, સૌ ભેળા મળી આનંદ વ્હેચસે

કરી થેલા-થેલી ભેગા અમો થયા મામાના ઘર ભેગા.

અમારી પેઢીના મન-મશ્તિશ્કમાં વેકેશનનો એકમાત્ર એજેંડા કહો કે અમારા માટેની બાદશાહી કહો તો તે મામાનું ઘર. તે સમયે સામા પક્ષે મામાના ઘરે પણ બધાનો એજેંડા આજ રહેતો કે હમણાં દીકરીઑ અને ભણીયાઓ આવશે, રોકાશે અને બધા સાથે મળીને ખૂબ મજા કરીશું હું આને દુન્યવી બાબતોથી પર થઈ ને કહુતો જીવનને સાર્થક બનાવીશું શબ્દ “મામાનું ઘર”. ને જો ઊંડાણથી વિચારવામાં આવેતો મા+મા અર્થાત મા ની માં નું ઘર હવે જો અહિયાં સ્વર્ગની અનુભૂતિ નો થાય તો બીજે ક્યાં થાય? આ તો પુરુષ પ્રધાન સમાજ રચનાને લીધે મા ની મા ને બદલે મામાની ઓળખ સ્થાપિત કરવામાં આવી હશે આવું મારૂ અંગત માનવું છે. વેકેશનના સમયમાં મામાને ત્યાં મામા, માસી અને ફેબા ના બાળકોનો જબરજસ્ત મેળાવડો થાય આખો દિવસ રમવામાં જાય, ભાવતા ભોજન મળે ઉનાળાના સમયમાં વેકેશન હોય રાત્રે બધાજ બાળકો અગાસીમાં ગોદડા પાથરીને રીતસર લાઇનમાં સુવાનું (છોકરાવો બધા જ ખુલ્લા ડિલે) છેટ સવારે તડકો આવે ત્યાં સુધી, આ પ્રસંગ અમારી પેટી ક્યારેય ભૂલી શકશે નહીં. આમ અમારા સમયમાં વેકેશન બાબતે વાલીઓના અને બાળકોના બે મત હતા નહી.

હવે વાત માંડીએ આજના સમયની તો માંમાંના ઘરે જવા-આવવામાં કોઈને વાંધો નથી કે નથી માંમાંના પક્ષે પ્રેમમાં કોઈ ઓછપ આવી હોય પરંતુ સમય સાથે મોટો બદલાવ ચોક્કસ આવ્યો છે. આજે સમાજમાં આર્થિક અને શૈક્ષણિક વિકાસ થવાથી બધાને સમયની કિમત સમજાઈ ગઈ છે. સમાજ રચના પૈસા કેન્દ્રિત થતી જાય છે તેમાં પણ જો બે પરિવાર વચ્ચે વધુ માત્રામાં આર્થિક અને શૈક્ષણિક તફાવત હોય તો હળવા-મળવાનું અને સાથે રહેવાનુ ઓછું થઈ જાય છે અને જ્યાં આવો મોટો તફાવત નથી ત્યાં પણ સમય સાથેના કેટલાક ફેરફારોતો ઉડીને સામે આવ્યા વગર રહેતા નથી જેમકે હાલ ના સમયમાં  બધાને બાળકોની સંખ્યા એક કે બે જ હોય છે આથી માંમાંના ઘરે કોઈ પણ સંજોગોમાં મોટું ટોળું બનતું જ નથી, બહુ ઓછા મામાઓના ઘરે વેકેશનમાં છકડી રમાતી હશે (અમારા વખતના પતાની એક નિર્દોષ રમત જેમાં એકીસાથે ૬ લોકો રમી શકે) આજના બાળકોમાં નાનપણથી જ પસંદ અને નાપસંદ ના ધોરણો ખુબજ ઘર કરી ગયેલા જોવા મળે છે, બાળકોની ઓછી સંખ્યા અને વધુ સાધન સગવડતા ને કારણે બાળકોમાં શેરિંગની ભાવના ખુબજ ઓછી થતી જાય છે આને લીધે આજના બાળકો અન્ય બાળકો સાથે એક-બીજાના ઘરે વધારે સમય રોકાવાનું પસંદ કરતાં નથી અને જેટલો સમય સાથે રહે છે તેમાં પણ મોબાઇલમા અને ટી.વી.માં ખુચેલા હોય છે છતાં આજની તારીખે પણ એવા બાળકોની અને પરિવારોની સંખ્યા ખાસી એવી મોટી છે કે જે બધા સાથે હળી-મળીને આ નિર્દોષ આનંદ લુટે છે અને સૌથી આનંદની વાત એ છે કે આજે એવા ઘણા મામાઓ છે જે અંદરથી લાગણીભીના છે અને સમય સાથે તાલ-મેલ કરવાનું જાણે છે તેવા મામાઓ પોતાની બહેનો અને ભણેજો ને ડેસ્ટિનેશન વેકેશન (કોઈ ફરવાના સ્થળે ભેગા કરવા) ઉપર લઈ જાય છે અને ત્યાં પારિવારિક મેળાવડો કરી ખુબજ આનંદ લૂટે છે અને આપણી આ જૂની પણ વૈભવી પરંપરાને જીવંત રાખે છે તે બદલ આ બધા મામાઓને લાખ લાખ વંદન.

હવે આ લેખના શરૂઆતમાં જે યક્ષ પ્રશ્ન છે તેના જવાબ તરફ આવીએ તો વેકેશન ક્યારે સાર્થક થયું કહેવાય? તો મારો વ્યકિતગત અભિપ્રાય અહિયાં કારણો અને તર્ક સાથે આપુતો. બાળકોની સ્કૂલ પસંદગીથી અભ્યાસ સૂધી, તેની રોજીંદી પ્રવૃતિઓ વી. માં સ્કૂલ અને વાલીઓની મરજી મુજબ વધારે ચાલતું હોય છે બીજું એ પણ કે આજના આ સુપર ફાસ્ટ અને હરિફાઈથી છલલો-છલ્લ યુગમાં આગળ જઈ ને તે ને આ સમય કે તક મળવા કરતાં ન મળવાની શક્યાતાઓ ખૂબ વધારે દેખાયછે, તો  વેકેશન આપવા પાછળનો હેતુ મારી દ્રષ્ટિએ જો કઈ હોય તો તે એજ હોય શકે કે આ દિવસો દરમ્યાન બાળકો પોતાની મરજી મુજબ ની પ્રવૃતિઓ કરી શકે અને જીવનમાં  એક વાર મળેલ બાળપણનો લખ-લૂટ આનંદ લૂટી શકે જે આગળ જતાં સમગ્ર જીવનનું મહામૂલું ભાથું બની ને તેની જીવન પર્યાત સ્મૃતિમાં રહી જાય.

Happy Vacation to All Readers

 

 

 

 

Advertisements

પુસ્તક અને સાહિત્ય નો મેળો એટલે વાચકોનો કુંભ મેળો

 

આપણે સૌ જાણીએ છીએ કે ભારત મેળાનો દેશ છે અહીં દરરોજ કોઈને કોઈ ભાગમાં કોઈને કોઈ વિષય કે હેતુ સાથેના મેળાનું આયોજન સદીઓથી થતું રહ્યું છે એક રીતે જોઈએ તો જૂના યુગમાં કે જ્યારે સંદેશાવ્યવહાર નો  આટલો વિકાસ થયો ન હતો ત્યારે આ મેળાના આયોજનોથી જન જાગૃતિ નું કામ દેશના ખૂણા ખૂણા સુધી અસરકારક રીતે થતું, મેળાઓ અનેક પ્રકારના હોય છે જેમકે લોકમેળો, સાંસ્કૃતિક મેળો, મનોરંજન મેળો ઔદ્યોગિક મેળો, શૈક્ષણિક મેળો, રોજગાર મેળો, ટેકનોલોજી મેળો અને  ધાર્મિક મેળો કે જે કુંભ મેળા તરીકે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે રીતે અત્યારે પ્રયાગરાજ માં કે જે શહેર નું જૂનું નામ અલ્હાબાદ હતું ત્યાં હાલ માં સદીનો સૌથી વિશાળ અને ભવ્ય હિન્દુ ધાર્મિક મેળાવડો એટ્લે કુંભ મેળો  કે જેની પરંપરા સદીઓથી હિન્દુ સમાજમાં  જન-જન નો એક ભાગ બની ગઈ છે. આ ઉપરાંત એક એવો જ મેળો કે જે કુંભમેળા જેટલો જ પવિત્ર ગણાય છે અને જેમ કુંભમેળા દરમિયાન નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે તેવી જ રીતે આ પુસ્તક મેળામાં માત્ર ટહેલવાથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે, આ વખતના કુંભમેળાનું અને પુસ્તક મેળાના આયોજન માટે જે તે સરકારોને તેની  સહયોગી સંસ્થાઓ ને  જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે આ વખતે રાજકોટના આંગણે રેસકોર્સ ખાતે આર એમ સી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સહયોગ થી એક ભવ્યાતિભવ્ય પુસ્તક અને સાહિત્ય ના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજકોએ સમય પણ ખૂબ જ યોગ્ય પસંદ કર્યો હતો આ પુસ્તક મેળા નો પ્રારંભ તારીખ 9 –2 – 20૧9 થયેલ છે અને તેનું સમાપન તારીખ 13-2 – 2019 ના રોજ થયુ, જ્યારે તારીખ 10 – 2 – 2019 ને રવિવાર  ના વસંતપંચમી નો પાવન દિવસ હતો છે જેને આપણે જ્ઞાન પંચમી પણ કહીએ છીએ અને આ દિવસે આપણે માં સરસ્વતી ની પણ સૂક્ષ્મ રીતે પુસ્તકો ની પુજા કરીએ છીએ આમ આ પુસ્તક અને સાહિત્ય નો મેળો પાંચ દિવસ ચાલ્યો, જે રીતે એક ધર્માભિમુખ વ્યક્તિ કુંભમેળામાં પ્રવેશ કરતા દિવ્યતાનો અનુભવ કરે છે તેવી જ દિવ્યતાનો અનુભવ એક સાચો વાચક પુસ્તક અને સાહિત્ય મેળામાં પગ મુકતા કરે છે આ મારા સ્વયંની  અનુભવસિધ્ધ વાત છે.

રાજકોટ ખાતેના આ મેળા નું  ખુબજ  વિશાળ કદ,મોટી સંખ્યા માં પુસ્તક વિક્રેતા ના સ્ટોલો,  બધી જ સગવડતાથી સભર આયોજન, આમ તો કોઈપણ જગ્યાએ યોજાતો પુસ્તક મેળો સૂક્ષ્મ રીતે તો “વ્યક્તિના જ્ઞાન પ્રાપ્તિની તરસ છિપાવતું પરબ છે”  જે વાચકો પોતાના પ્રતિકૂળ સંજોગોને લીધે આવી નથી શક્યા  તેના માટે હું અહીંયા પુસ્તક મેળાના સંક્ષિપ્ત વર્ણન દ્વારા આપને મેળામાં લટાર મારયાનો અનુભવ કરાવવાનો બનતો પ્રયાસ કરીશ સૌ પ્રથમ તો એ કહીશ કે આ વખતનો એટલે ફેબ્રુઆરી 2019 નો  પુસ્તકમેળો કેવળ પુસ્તક મેળો ન હતો સાથે સાહિત્ય નો મેળો પણ હતો, આજ સુધી માં ક્યારેય ન થયો હોય એટલા મોટા કદના મેળાનું આયોજન કરવામાં આવેલું, આ પુસ્તક અને સાહિત્ય નો મેળો રેસકોર્સના મેદાનમાં આવેલો હતો તેમાં દાખલ થવા માટે  એરપોર્ટ તરફ જવાના રસ્તા ની સામેના ભાગમાં રિંગ રોડ પર આવેલ દરવાજાથી પ્રવેશ લેવાનો થાય છે, પ્રવેશતાવેંત જ સામેની તરફ  વિશાળ મેદાન માં ખૂબ જ મોટા કદના અને બધી જ સાધન-સગવડ વાળા 6 ભવ્ય ડોમ  બનાવવામાં આવ્યા હતા  ઉપરાંત મોટું ફૂડ કોર્ટ, શુધ્ધ પીવાના પાણી વ્યવસ્થા, વિનય અને વિવેકી સ્વયંસેવકો જે આવનાર મુલાકાતીઓ ને બધી જ માહિતી આપતા અને જરૂરી મદદ કરતા આ મેળાના આયોજનમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે આયોજનમાં સરકારી એજન્સીઓ હોવા છતાં તેમા ખૂબ જ પ્રોફેશનલ ટચ જોવા મળતો હતો, હવે આપણે સમગ્ર મેળા નું દર્શન કરીએ ક્રમ મુજબ જેથી વાચનાર ને પોતાની નજર સામે ચિત્ર પણ ઉપસતું જાય. મેળા નું પ્રવેશ દ્વાર ખુબજ આકર્ષક અને થીમ ને અનુરૂપ બનાવ્યું હતું રમેશ પારેખ અને ધૂમકેતુ જેવા મૂર્ધન્ય કવિ અને સાહિત્યકારો ના ફોટા અને તેમની કવિતા ઓ સાથેના વિશાળ કદ ના રંગીન પોસ્તરો લગાડેલા જેથી પ્રવેશતાંજ તમે પુસ્તક મેળા ના વાતાવરણ મા ઢળી જાવ, મેળા ની અંદર દાખલ થતા સામેની તરફ બે ખુબજ મોટા કદ ના ડોમ જેમાં લગભગ એકસો બેતાલીસ જેટલા પુસ્તક વિક્રેતા ના સ્ટોલ હતા અને તેમા વિવિધ વિષયો ના અગણિત પુસ્તકો હતા જે સમગ્ર સૌરાષ્ટ્ર ના વાચકો ની વાંચન ની ભૂખ સંતષવા માટે પર્યાપ્ત હતા, હવે  વાત કરીએ બાકીના  ચારેય ડોમ  વિશે એક પછી એક.

ડોમ ૧ : Kids Stall ના શીર્ષક હેઠળ  ખૂબ જ આકર્ષક ડોમ  બનાવવામાં આવેલ  કે જેનું નામ Kids Stall  એટલે કે બાળકો માટેનો, તે ડોમ નું  બહાર અને અંદર નું સુશોભન બાળકોને અનુરૂપ અને તેમને જોતાં જ ગમી જાય તેવું વિવિધ રંગોથી ભરેલું બાળકોને ગમતા કાર્ટુન કેરેક્ટરો ના ચિત્રો થી શોભતો ડોમ તે ને જોતા જ બાળકો તો ઠીક પણ મોટાઑ દોડી ડોમ જોવા જવાની લાલચ રોકી શકતા નહીં આ સ્ટોલ/ડોમ ની અંદર સવારના ૧૦ વાગ્યાથી પ્રાથમિક સ્કૂલમાં ભણતા બાળકોની લાઇનો લાગી જતી અહીંયા બાળકોને વિવિધ પ્રવુતિઓ કરાવમાં આવતી જેવી કે ગેમ રમાડવામાં આવતી અને ક્વીઝના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું, ચિત્રો દોરવા વિ.  સ્ટોલ/ડોમ  ના બહારના ભાગે મોટી એલ.ઇ.ડી. સ્ક્રીન મુકેલ હતી જેથી બાળકો ના વાલીઓ પોતાના બાળકોની અંદર ની પ્રવુતિઓ  જોઈ શકતા આ રીતે ખૂબ જ સુંદર આયોજન હતું, આ સ્ટોલ જ્યારે બાળકો થી પૂરો ભરાઇ જતો ત્યારે આબેહૂબ એવું દ્રશ્ય સર્જાતું હતું કે એક નાનો એવો બગીચો અસંખ્ય રંગ અને આકારના ફૂલો થી ભરાઈ ગયો છે આ શબ્દોમાં કોઇ જ અતિશયોક્તિ નથી કારણ કે હું પાંચે પાંચ દિવસ ના મેળા નો સાક્ષી રહ્યો છું.

ડોમ ૨ : શબ્દ સંવાદ અને સાહિત્ય સર્જન આવા શીર્ષક સાથે ના ડોમ માં સવારે ૧૧ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ગુજરાતના સિદ્ધહસ્ત અને પદ્મશ્રી વિજેતા લેખકો વાર્તાકાર, કવિ, લોક સાહિત્યકાર ને બોલાવવામાં આવતા તેઓ અહીં ખાલી વક્તવ્ય આપતા ન હતા પરંતુ સાહિત્ય રસિક લોકોના પ્રશ્નોના જવાબો પણ આપતા હતા તેમની સાથે જ્ઞાન-ગોષ્ઠી કરતા તેમની સર્જન યાત્રા માં આવતા અવરોધ દૂર કરવાના ઉપાયો બતાવતા હતા આમ આ ડોમ  પાંચ દિવસ માટે લોકસાહિત્ય ની યુનિવર્સિટી બની ગયો હતો, આમાં  શ્રી વિષ્ણુ પંડ્યા જેવા પદ્મશ્રી  સાહિત્યકારો, કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિબેન ઉનાડકટ જેવા કટાર લેખકો તો કાના બટવા અને કિન્નર આચાર્ય જેવા પત્રકારો આવ્યા હતા અને પોતાનું જ્ઞાન લોકો સાથે શેર કર્યું હતું.

ડોમ નંબર 3 : ઓથર્સ કોર્નર ના શીર્ષક  હેઠળના ડોમ માં  નવા ગુજરાતી લેખકો, કવિઓ, અને સિને સર્જકો ને પોતાની કલા અને કૃતિ રજુ કરવાની તક અપાઇ હતી તેમજ શિખતા યુવાનોને તેની સાથે ગોષ્ઠી કરવાની તક આપવામાં આવતી તેમની સર્જન યાત્રા માં આવતી સમસ્યા નું સમાધાન શોધવામાં આવતું આમ  આ ડોમ પણ નવા  ઊભરતા કલાકારો અને શિખતા  કલાકારો માટે એક કાર્યશાળા  જેવો બની ગયો હતો.

ડોમ  નંબર ૪ : કે જે ને મેઇન સ્ટેજ પણ કહેવામાં આવતું હતું વિશાળ અને ભવ્ય મુખ્ય સ્ટેજ તેના બેક ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટી એલ.ઇ.ડી. સ્ક્રીન જેથી બધા જ લોકો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે જોઈ શકે  મોટી સંખ્યામાં લોકો આરામદાયક રીતે બેસી શકે તેવી આરામદાયક બેઠક વ્યવસ્થા  આ જ સ્ટેજ ઉપર ઉદઘાટન અને સમાપન કાર્યક્રમ ઉપરાંત સાહિત્યકરો  અને લેખકો ના વક્તવ્યો યોજવામાં આવતા આ પાંચ દિવસ સુધી દરરોજ લગભગ સાંજે સાડા છ થી રાત્રિના સાડા નવ સુધી જેમાં મુખય્ત્વે કાજલબેન ઓઝા, જય વસાવડા, પૂ.અપૂર્વમુની સ્વામિ, પૂ.જ્ઞાનવત્સલ સ્વામિ, શ્રી ભીખુદાનભાઈ ગઢવી, આર.જે. દેવકી અને શ્રી શાહબૂદીનભાઈ રાઠોડ,   શ્રી સાઈરામ દવે  વિ. રાજકોટ ની જનતા ને પણ અભિનંદન આપવા ઘટે કે તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા અને ખુબજ શાંતિ પૂર્વક અને રસ પૂર્વક મેળા ને અને કાર્યક્રમોને માણતા આમ પુસ્તક મેળો અને સાહિત્ય નું સંમેલન પાંચ દિવસનો ઉત્સવ બનીને રહી ગયો પૂરો થયો ત્યારે તમામ સાહિત્ય રસિકો એ આનંદ અને સંતોષનો ઓડકાર ખાધો, વાહ વાહ ના ઉદગાર સાથે.

 

 

રાહુનો મિથુન રાશિમાં અને કેતુનો ધન રાશિમાં પ્રવેશ ની શુભ-અશુભ અસરો

આજના લેખનો વિષય થોડો ઓફબીટ ચોક્કસ છે, હું સ્વયં પણ જ્યોતિષ ના વિષય સાથે બ્લોગ ઉપર લેખ લખવો કે નહીં તે બાબતે અવઢવમાં હતો પરંતુ પરિવાર સાથે જ્યારે આ વાત શેર કરી તો મારા મોટા ભાઈ એ સરસ પ્રત્યુતર આપ્યો કે વર્તમાનપત્રોમાં છેલ્લા દાયકાઓથી જ્યોતિષ વિષયક લેખો સમયાંતરે પ્રસિધ્ધ થતા રહે છે અને લોકો વાંચે પણ છે તો શા માટે તારા જેવા અભ્યાસુ જ્યોતિષીએ બ્લોગ ઉપર લખવા બાબતે અચકાવું  જોઈએ, તેમના આ સૂચન સાથે સમંત થઈ,  હમણાં જ ગ્રહમંડલ માં થનારા ખુબજ મોટા ફેરફારની અને તેની થનાર અસરો ને આપ સૌ સાથે વહેંચવાનું નક્કી કર્યું, આ ફેરફાર એટલે તારીખ 7 માર્ચ 2019 ના રાહુ ગ્રહ કર્ક રાશિ છોડી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ કેતુ ગ્રહ મકર રાશિ છોડી ધન રાશિમાં પ્રવેશ કરશે અને તે લગભગ ૧૮ મહિના સુધી મિથુન રાશિ અને ધન રાશિમાં રહે શે રાહુ અને કેતુ બંને ગ્રહોને જ્યોતિષ શાસ્ત્ર માં ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ બંને ગ્રહો ની વિશેષતા એ છે કે તે  હંમેશા વક્રી  ચાલે છે એટલે કે રિવર્સ મા ગતિ કરે છે જ્યારે અન્ય ગ્રહો સીધા ચાલે છે બીજું બંને ગ્રહો હિન્દુ મયથોલોજી મુજબ  એકબીજાથી અલગ છે પરંતુ એક બીજાના પુરક પણ છે રાહુ એટલે માત્ર માથું જ્યારે કેતુ એટલે માત્ર ધડ આમ રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયામાં કેવા કેવા ફેરફારો થઈ શકે, તે આપણે શાસ્ત્ર મુજબ  જોઈએ, શાસ્ત્ર મુજબ રાહુ ગ્રહ મિથુન રાશિમાં ઉચ્ચનો ગણાય છે મારો પોતાનો અનુભવ કહું તો રાહુ મિથુન રાશિ, વૃષભ રાશી અને કુંભ રાશિમાં હંમેશા સારુ પરિણામ આપતો જોવા મળ્યો છે રાહુ ની અસર નો વિચાર કરતા પહેલા આપણે તેની લાક્ષણિકતાઓ પણ જાણી લેવી જોઈએ રાહુ હંમેશા વ્યક્તિને ખોટું ચિત્ર દેખાડે છે એટલે કે વાસ્તવિક સ્થિતિ નું દર્શન કરાવતો નથી, મને જ્યોતિષ વિજ્ઞાન શીખડાવનાર મારા વિદ્વાન ગુરુ હંમેશા કહેતા ગ્રહો ક્યારેય આપણને લાકડીથી મારતા નથી પરંતુ ખોટું ચિત્ર દેખાડી ખોટા નિર્ણયો લેવડાવી નુકસાન પહોંચાડે છે જે બાબત  રાહુ મા સો ટકા સાચી  પડે છે, રાહુ માયાવી ગ્રહ છે, કેતું પણ અશુભ ગ્રહ જ છે, તે પણ કુંડળીના જે સ્થાનમાં હોય ત્યાં નુકસાન કરે જ છે  પરંતુ રાહુ વધુ બદનામ છે એટલા માટે કે તે માથું છે આથી તેમાં મગજ સમાયેલો હોય છે, આથી રાહુ પ્રધાન લોકો કૂળ, કપટ, અને કાવતરામાં નિપૂર્ણ હોય છે જ્યારે કેતુ વ્યક્તિને ધાર્મિકતા તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હવે જોઈએ તેની દેશ અને દુનિયા ઉપર થનારી અસરો,  કાળપુરુષની કુંડળીમાં મિથુન રાશિ ત્રીજા નંબર ની રાશિ હોય, રાહુ ગ્રહ ત્રીજા સ્થાનમાં છઠ્ઠા સ્થાન અને અગિયારમા સ્થાનમાં ખૂબ જ સારું પરિણામ આપતો જોવા મળ્યો છે મિથુન રાશિ બુધ ના ઘરની રાશિ હોય, બુધ બુદ્ધિનો, જ્ઞાનતંતુ નો અને વાણી નો કારક છે, કોમ્યુનિકેશન બુધ ની હદ માં  આવે છે,  આમ રાહુ મિથુન રાશિમાં આવતા એમ કહી શકાય કે કોમ્યુનિકેશન ટેકનોલોજી માં મોટી ક્રાંતિ આવે ઓનલાઈન વેપારમાં વધારો થાય અને નોકરી અને ધંધા માં સાયન્સ અને ટેકનોલોજી નો ઉપયોગ વધશે, જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા રહેશે તેમને ચોક્કસ ફાયદો થશે અન્યથા તેઓ પાછળ રહી જશે અને પોતાની નોકરી કે ધંધો પણ ગુમાવનો વારો આવી શકે.  હવે આપણે રાશી વાર વિચાર કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર સાથે થોડા પણ જોડાયેલા લોકો હંમેશા એ બાબતે મૂંઝવણ માં  હોય છે કે  ચંદ્ર થી ગોચર જોવું?  કે લગ્ન થી ગોચર જોવું શ્રેષ્ઠ છે? તેનો સાચો ઉકેલ એ  છે કે ચંદ્ર અને લગ્ન બંને થી ગોચર જોવું જોઈએ બન્ને ના હેતુઓ અલગ અલગ છે,  જ્યારે આપણે ચંદ્ર થી ગોચર જોઈએ છીએ ત્યારે વ્યક્તિની માનસિકતા  ને કેન્દ્રમાં રાખીને વિચાર કરીએ છીએ અને જ્યારે લગ્નથી ગોચર જોઈએ છીએ ત્યારે તેના દેહભાવ અને અન્ય ભૌતિક બાબતો નો વિચાર  કરીએ છીએ, પરંતુ હું અહીંયા આપ સૌને ચન્દ્રથી ગોચરનો રાહુ રાશિ વાર કેવું ફળ આપશે તે  ખુબ જ સંક્ષિપ્તમાં જણાવીશ.

મેષ : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ જો એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે તે “સોના નો સુરજ લઈને આવશે” તેમને હરવા ફરવાના યોગ થશે નવા સાહસો કરી શકશે.

વૃષભ : આ રાશિવાળા જાતકોને બીજે આવતો રાહુ મિશ્ર ફળ નો અનુભવ કરાવશે, આર્થિક બાબતો અથવા તો કૌટુંબિક બાબતો બેમાંથી એક માં વિવાદ ની શક્યતા રહે, વાણી માં સંયમ જાળવવો જરૂરી છે.

મિથુન : આ રાશિ વાળા જાતકોને પોતાની ઉચ્ચ રાશિમાં રાહુ નું પરિભ્રમણ ફાયદો કરાવે, છતાં રાહુ અશુભ ગ્રહ હોય ક્યારેક આભાસી ચિત્ર બતાવી નુકસાન કરાવી શકે.

કર્ક : આ રાશિ વાળા જાતકોને મિથુન રાશિ નો રાહુ નિશ્ચિત રીતે સારુ ફળ આપશે નહીં કારણ કે આ રાશિના જાતકો બારમા રાહુ ના બંધન માં આવશે, નાની-મોટી બીમારી, અકસ્માત કે કોર્ટ-કચેરી સંબંધિત મુશ્કેલી આવી શકે, ખર્ચ માં વધારો થાય.

સિંહ : આ રાશિ વાળા જાતકોને મિથુન રાશિ નો રાહુ  નિશ્ચિત રીતે સારું ફળ આપશે, તેમને લાભ સ્થાન એટલે કે અગિયારમા સ્થાનમાં પરિભ્રમણ કરતો હોય આવા જાતકોને મિત્રોથી તેમજ અન્ય બાબતોથી લાભ થઈ શકે.

કન્યા : આ રાશિ વાળા જાતકોને 10 મે રાહુ નું પરિભ્રમણ મિશ્ર ફળ આપશે નોકરી-ધંધામાં સ્થાન ફેર થઈ શકે, પિતાની તબિયત બાબતે ચિંતા રહે.

તુલા : આ રાશિ વાળા જાતકો માટે રાહુ નું પરિભ્રમણ નુકસાનકારક નહિ હોય શુક્રના ઘરમાં રાહુ અશુભ ફળ આપશે નહીં નાની-મોટી મુસાફરી કે યાત્રા કરાવી શકે.

વૃશ્ચિક : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ આઠમે પરિભ્રમણ કરવાનો હોય તે દરમિયાન જાતકને પડવાનો તેમજ વાગવાનો ભય રહે.

ધન : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ સાતમે પરિભ્રમણ કરનાર હોય પત્ની સાથે કે પાર્ટનર સાથે વાદ વિવાદ વધે.

મકર : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ શુભ ફળ આપીને જાય રોગ અને શત્રુ નો નાશ થાય કોર્ટ, કચેરીના કામોમાં સફળતા મળે.

કુંભ : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ પાંચમા સ્થાને પરિભ્રમણ કરશે જે જાતકને તેના ભૂતકાળ ના કરેલા કર્મ પ્રમાણે ફળ આપશે અર્થાત શુભ કર્મ હશે તો શુભ ફળ મળશે, અશુભ કર્મ હશે તો અશુભ ફળ મળશે.

મીન : આ રાશિ વાળા જાતકોને મિથુન નો રાહુ ચોથે પરિભ્રમણ કરશે, શાસ્ત્ર મુજબ ચોથે રાહુ અશુભ ફળ આપે આ સમય દરમિયાન સ્થાવર મિલકતો ને લઈ ને પ્રશ્નો થઈ શકે, માતા બાબતે ચિંતા રહે.

ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય

ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય આમ ગ્રંથાલય વિશ્વવિદ્યાલય તો ખરું પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિ રસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય એ કેવળ વિશ્વવિદ્યાલય નથી વૃંદાવન પણ છે, એટલેજ હિન્દુ શાસ્ત્ર ના આચાર્યો એ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહયા છે અને પુસ્તકો ના વાસ ને પુસ્તકાલય, ગ્રંથો ના વાસ ની જગ્યા ને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે, જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન,મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય/ગ્રંથાલય માં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે,  ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકો ની હાજરીથી સમગ્ર ગ્રંથાલય નુ વાતાવરણ અલૌકિક બની જાય છે વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકો ની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની સાતા/ઠંડક આપી જાય.

એક વિશ્વવિદ્યાલયના કોમ્પ્યુટર સાયન્સ ભવન માં નોકરી હોવાને લીધે વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે, પ્રોફેસરો સાથે, કેમ્પસમાં રહેલા નાના મોટા ગ્રંથાલયો સાથે અને નિયમિત રીતે વાંચવાના ઉદ્દેશથી લાયબ્રેરી માં આવતા વાચકો સાથે એક અતૂટ નાટો બંધાઈ ગયો છે, અહિયાં સ્થૂળ રૂપે વિચારીએ તો તેઓ પુસ્તકો વાચવા આવેછે પરંતુ સૂક્ષ્મ રીતે તેઓ નું કાર્ય જ્ઞાન પ્રાપ્તિ ના યજ્ઞ માં નિત્ય આહુતિઓ આપવાનું છે. અવાર-નવાર મારા ભવનની લાયબ્રેરી અને અન્ય લાયબ્રેરીઑ માં  જઈને પુસ્તકો જોવ છું, સાથે આદત વશ લાયબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓને પણ જોઉં છું, મારા માં રહેલા એક અભ્યાસુ  જીવને લઈને લાઇબ્રેરીના મેડમ સાથે ક્યારેક ક્યારેક વાતો એ પણ વળગું છું કે અહી રહેલા બધા પુસ્તકો માં એવા પુસ્તકો ની સંખ્યા ખરી કે કોઈએ કદી તેને વાંચ્યા જ ન હોય? અને હા તો તે કેટલા ટકા? પ્રથમ પ્રશ્નનો જવાબ તો હા માં જ હતો પરંતુ બીજા પ્રશ્નનનો જવાબ પણ ઘણી મોટી ટકાવારીમાં હતો, કે વિદ્યાર્થીઓ પોતાના વિષય બહાર ના પુસ્તકોનુ વાંચન કરતા નથી અથવા તો ખૂબ જ ઓછું કરે છે કેટલાક પુસ્તકો તો એવા છે જે ને આજ સુધી કોઈ એ વાંચવા માટે  સ્પર્શ સુધા પણ કર્યો નથી.

આ સ્થિતિ કેવળ એક શહેર કે  કેમ્પસ માંની લાયબ્રેરીની નથી પરંતુ લગભગ દેશ અને વિદેશ મા રહેલ બધી જ લાયબ્રેરીઓની છે એમાં મારા અને તમારા ઘર મા રહેલી વોર્ડ-રોબ  લાયબ્રેરી નો પણ સમાવેશ થઈ જાય છે આમ પણ “દરેક લખાયેલ પુસ્તક વેચાતું નથી અને વેચાયેલુ દરેક પુસ્તક વંચાતું નથી”. વળી આ સ્થિતિ કઈ આજના સમયની, નથી દરેક સમયે સમાજને એવું જ લાગતું આવ્યું છે કે નવી પેઢી વાંચતી જ નથી અથવા તો વાંચનારાઓ ની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે પરંતુ હકીકત આવી નથી સદીઓથી વાચકો હંમેશા લઘુમતીમાં જ રહ્યા છે, એમના  સંખ્યાબળમાં ક્યારે મોટો વધારો કે ઘટાડો થયો નથી. હા એ વાત ચોક્કસ છે કે છેલ્લા કેટલાક વર્ષથી લોકોની વાંચવાની અને સૂક્ષ્મ રીતે કહીએ તો જ્ઞાન પ્રાપ્ત કરવાની કે પોતાની અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા ની પદ્ધતિમા આમૂલ પરિવર્તનો આવ્યા છે પહેલા વાંચવું એટલે સ્થૂળ રીતે હાથ માં એક પુસ્તક લઈને બેસી જવું, મારી સરખી ઉંમરના અને તેનાથી મોટી ઉંમરના વાચકો ને હજુ પણ પુસ્તક હાથમાં લઈને શાંતિથી ખુરશી ઉપર બેસીને વાંચવામાં જે આનંદ મળે છે તે તેમને પુસ્તકોની ઇ-ફાઈલ મોબાઇલ ઉપર કે ડેસ્કટોપ/લેપટોપ ઉપર વાંચવામાં નથી મળતો પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ અહીંયા ખૂબ મોટી ઉંમરના વાચકો કે જેમની આંખો હવે વધુ વાંચી શકતી નથી તેમને માટે ઈ ફાઈલો નું સ્વરૂપ વધારે અનુકૂળ આવે છે કારણકે તેના અક્ષરો મોટા કરી શકાય છે અને જો આંખોથી બિલકુલ જોઈ શકાતું ન હોય તો આ પુસ્તકો ઓડિયો ફાઈલ સ્વરૂપે સાંભળી પણ શકાય છે આમ આ રીતે ટેકનોલોજી વાચકને વધારે અનુકૂળતા કરી  આપે છે અને એ પણ પોતાના ઘરની બહાર પગ મૂક્યા વગર બીજો ફાયદો એ છે કે કેટલાક અઘરા લાગતા વિષયોનું વાંચન કરવાનો કંટાળો આવે છે અથવા તો તેમાં વધુ સમય તે વિષયને સમજવામાં ખર્ચાય છે આવી સ્થિતિમાં ટેકનોલોજી ખૂબ ઉપયોગી થાય છે youtube જેવી સાઈટના માધ્યમથી ખુબ જ ટૂંકા પણ રસપ્રદ રીતે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા video tutorials જોવાથી કંટાળો પણ નથી આવતો અને સમયની પણ બચત થાય છે. હવે તમારે લાયબ્રેરી સુધી જવાની જરૂર નથી કે હાથમા પુસ્તક લેવાની પણ આવશ્યકતા નથી પુસ્તકો હવે , .pdf ફાઈલ સ્વરૂપે તમારા ડેસ્ક ટોપ, લેપટોપ કે મોબાઇલમાં સંગ્રહી શકાય છે અને તમે ફાવે ત્યાં અને ફાવે ત્યારે તે વાંચી શકો છો આવા હાઇટેક સમયમાં અને સ્થિતિમાં લાઇબ્રેરીમાં ઓછા વાચકો જોવા મળે તે બહુ જ સ્વાભાવિક ઘટના છે બાકી. “વિશ્વમાં વાંચવાનું ખુટવાનું નથી અને સાચો વાચક કોઈ દિવસ ધરાવવાનો નથી”. વર્તમાન સમયની માંગ  કદાચ એ છે કે હવે આપણને વધુ ગ્રંથાલયોની આવશ્યકતા નથી પરંતુ જે ગ્રંથાલયો છે તેમને વધારે ને વધારે હાઇટેક બનાવવાની આવશ્યકતા છે, હવે પુસ્તકોના પ્રિન્ટિંગની પણ જરૂરિયાત નથી, જરૂરિયાત છે તેને નેટ ઉપર મૂકવાની અને તેને લાંબા સમય સુધી નેટ ઉપર સુરક્ષિત રીતે  કેમ સાચવવા તેની જાણકારી મેળવવી જરૂરી છે, એમેઝોન કંપનીએ મુકેલુ કેન્ડલ નામનું ગેજેટ જે લગભગ છ ઇંચ જેટલી સાઇઝ માં મળે છે તે સ્વયં એક લાઈબ્રેરી ની ગરજ સારે છે તેની અંદર હજારો પુસ્તકો (ઈફાઇલ ના સ્વરૂપ માં) સંગ્રહિત થયેલા હોય છે. આવા સમયમાં વાચકોની સાચી ટકાવારી અખબારો વાંચતા લોકો ના આંકડાથી કે લાયબ્રેરીમાં નોંધાયેલા વાચકોની સંખ્યા થી સંપૂર્ણ અને સાચી કાઢી શકાય નહીં તે હકીકત આપણે બધાએ સ્વીકારવી રહી, અત્યારના લોકોની વાચવાની રુચિ વધી કે ઘટી છે, હાલમાં લોકો વધુ પ્રમાણમાં વાંચે છે કે પહેલાના સમયમાં વધુ પ્રમાણમાં વાચતા આ ચર્ચા સમયાતરે ટી.વી.પરની ચર્ચામાં અને સમાજમાં થતી જોવા મળે છે અને તે થોડી સ્વાભાવિક પણ છે કારણ કે હાલના સમયના માનવી પાસે વાંચન સિવાયના ઘણા બધા વિકલ્પો હાજર છે અને હાથ વગા પણ છે, એ વાત સાચી છે પરંતુ મારું વ્યક્તિગત માનવું બહુ જ સ્પષ્ટ છે કે જેમ શરીરને ટકાવવા ખોરાકની આવશ્યકતા છે તેવી જ રીતે માનવીના મનમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા વાંચન રૂપી ખોરાક પણ એટલો જ આવશ્યક છે. આજે લેખ નો વિષય  લાઇબ્રેરીનો છે તો એક સાચો અને સરસ પ્રસંગ આપની સાથે શેર કરું છું યુ.એસ.એ ના પ્રમુખ જ્યોર્જ બુશ ના પત્ની લોરા બુશ કે જેઑ  પ્રથમ નારી (First Lady)  કહેવાતા જે તે સમયે, તેણીને જ્યારે જ્યારે તક મળતી વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધવાની ત્યારે તેણી એક વાત અવશ્ય કહેતા “લવ યોર લાઇબ્રેરી” અને વાંચનની આદતને કેળવવાની વાત ઉપર ભાર મુકતા આ ખૂબ જ સારી આદત છે તમને ખૂબ ઊંચાઇ ઉપર લઇ જશે, લોરાબુશ પણ વ્યવસાયે  લાઈબ્રેરિયન હતા.  આજના આ લેખનો વિષય એ મારો કદાચ સૌથી પ્રિય વિષય અને શોખ રહ્યો છે.  ઘણા વિદ્યાર્થીઓ ની ફરિયાદ હોય છે કે વાંચનનો કંટાળો આવે છે તો શું કરવું? તેનો ઉપાય શું? મારો અનુભવ સિદ્ધ ઉપાય શેર કરું તો તેને એટલે કે વાંચનને શરૂઆતમાં ફરજયાત તરીકે લેવું અને ગમતા વિષયથી વાંચનની શરૂઆત કરવી ધીમે ધીમે તેમાં રસ વધતો જશે અને તે આદત એટલે કે ટેવ પડી જશે અને આગળ જતાં આ આદત તમારા જીવન નો એક હિસ્સો બની જશે (Part of Your Life Style) બીજો સૌથી વધારે પૂછાતો આનાથી શું ફાયદો? એનો જવાબ છે વિશ્વમાં આ એક જ એવી ટેવ છે કે જેની કોઈ સાઇડ ઈફેક્ટ નથી પરંતુ ઇફેક્ટ ખૂબ જ જબરજસ્ત છે વાંચન તમને વિચારતા કરે છે વિચાર તમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે નવું-નવું કરતી વખતે જે અનુભવ થાય છે તે ફરી પાછા તમને વાંચવાની પ્રેરણા આપે છે આમ આ સાઇકલ અવિરત ચાલે છે અને અંતતઃ વાંચન માણસને સફળ ઉપરાંત એક ઉમદા માનવી બનાવે છે આમ આ રીતે ગ્રંથાલય વ્યકિત, સમાજ, દેશ. અને સભ્ય સમાજ થી ભરેલા વિશ્વ નું ઘડતર કરવામાં, કદાચ ધર્મ એટલે કે મંદિર, મસ્જિદ, ગિજાઘર કરતાં પણ વધારે ઉપયોગી સાબિત થયા છે.

દેવા ના બોજા હેઠળ દબાતી જતી યુવા પેઢી

“દેવું કરી ને પણ ઘી પીવું”, ઋષિ ચાર્વાક ના આ સુવાક્ય ને વર્તમાન યુવા પેઢી એ ખુબજ દિલ થી વધાવી લીધું છે એવું સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે, એટલું જ નહીં  તેને પોતાની લાઈફ-સ્ટાઈલ નો અનિવાર્ય હિસ્સો બનાવી લીધું છે. અહિયાં હું સમાજ ના દરેક યુવાન ની વાત નથી કરતો નથી, પરંતુ વર્તમાન સમય માં આ ભટકેલું યુવા ધન એ બિલકુલ નથી જાણતું કે ઋષિ ચાર્વાક નું આ સોનેરી સુવાક્ય હેલ્થ ની ટિપ્સ ના રૂપ માં અપાયેલું છે નહીં કે પોતાની હેસિયત કે ઓકાત બહાર જઇ ને લાઈફ-સ્ટાઈલ પાછળ ના આંધળા અનુકરણ કરવા માટે દેવું કરવા ની વાત ઋષિ ચાર્વાક કરી ને નથી ગયા.

આજની યુવા પેઢી ની વિવિધ અને મોંઘી બ્રાન્ડ પાછળ ની આંધળી દોડ, ખર્ચાળ જીવન શૈલી અને જક્કી કે જીદ થી ભરેલું માનસિક વલણ તેમના માતા-પિતા નું અને જો પરણિત હોય તો તેમના નિર્દોષ બાળકો અને પત્નિ નું જીવન દોહલું બનાવી દે છે. પોતાની આવક અને જાવક બાબતે પશુ જેટલી જ્ઞાન શૂન્યતા ધરાવતો યુવાન જ પોતાની હેસિયત બહાર નો ખર્ચ કરી શકવાનું ગાંડપણ કરી શકે. અન્યથા આપણાં ગુજરાતી બાળક માં તો નાનપણ થી જ બજેટ માં ઘર નું ગુજરાન ચલાવવાના સંસ્કારો સહજ રીતે મળતા હોય છે, જો 100 રૂપિયાની સાદી સ્કૂલ બેગ લેવાથી કામ ચાલી જતું હોય તો શ્રીમંત માતા-પિતા પણ પોતાના બાળક ને તે ના બદલે 1000 રૂપિયા ની મોંઘી બ્રાંડેડ સ્કૂલ બેગ લઈ આપતા નથી કારણ બંને સ્કૂલ બેગ થી સમાન હેતુ સિધ્ધ થાય છે, આમ આ રીતે નાનપણ થી જ બાળક માં કારકસર ના અને સૂક્ષ્મ રીતે અર્થશાસ્ત્ર ના જ્ઞાન ના નિરૂપણ ની શરૂઆત થઈ જાય છે.

પરંતુ ભગવાન જાણે આ બાળકો થોડા યુવાન થતાં જ બધુ કેમ ભૂલી જાય છે? તેઓ મોંઘી બ્રાંડેડ વસ્તુઓ ની જીદ પકડે છે અને માતા-પિતા પાસે પરાણે તે પૂરી કરાવે છે જો માતા-પિતા ના કહે તો વાહિયાત દલીલો કરે છે તેમની સાથે રીત સર નો જગડો કરે છે, અને આગળ જતાં આ યુવાન ના પોતા ઉપર જ્યારે બધી જવાબદારી ઑ આવે છે ત્યારે તે પોતાની આવક-જાવક નું બેલેન્સ રાખી શકતો નથી. પોતાના જીદી સ્વભાવ તેને નોકરી કે ધંધા માં પણ સાચી સ્થિતિ નું મૂલ્યાંકન કરવાનું ડહાપણ આપતો નથી પરિણામ સ્વરૂપ તે ને નિષ્ફળતા જ મળે છે, આપણાં કાઠીયાવાડ માં કહેવત છે અંતે તો  “પાઘડી નો વળ છેડે”, સમય જતાં તે પોતાની મૂળભૂત જરૂરિયાત ને પણ પહોચી શકતો નથી અને તે ની પૂરતી તે માટે ઉછીના નાણા લે છે એટ્લે કે વ્યાજે નાણા લે છે, આ વ્યાજ નું વિષચક્ર બારેમાસ એટલે કે 24 કલાક અને 365 દિવસ ચાલે છે તે નું જ્ઞાન આ મૂર્ખ યુવાનો ને બિલકુલ હોતું નથી વ્યાજે નાણાં આપનારા ઓમાં મોટા ભાગ ના લોકો ક્રીમનલ હોય છે કે તે ની સાથે જોડાયેલા હોય છે આના ફળ સ્વરૂપે એક દિવસ એવો આવે છે કે વ્યાજ ચુકાવવા માટે તેને વ્યાજે નાણાં લેવા પડે છે અને અંતે પોતાનું બધુ ખોઈ દેવું પડે છે, મિલકતો તો બધી પહેલે થી જ વ્યાજ ખોરો પાસે ગીરવે હોય છે, પોતાનો ધંધો/નોકરી, સંપતિ અને સાથે સાથે આખા પરિવાર ની શાંતિ બધુ જ આ દેવા ના હવન માં હોમાઈ જાય છે. હાલ માં જ બનેલા કેટલાક બનાવો એ મને એ માનવા માટે મજબૂર કરી દીધો છે કે વિશ્વ ના કોઈ પણ નશા કરતાં વ્યાજે નાણા લેવાનો આ નશો વધારે જડપ થી માનવી નું આર્થિક અને સામાજિક પતન કરી શકવાને માટે શક્તિમાન છે.

આજ ના આ લેખ નો વિષય મારી લેખન શૈલી તેમજ મારા સ્વભાવ બહાર નો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર નું બહોળું જ્ઞાન હોવાને લઈ ને હમણાં ના સમય માં જ  મારી પાસે એક કરતાં વધારે કુંડળીઓ આવા વ્યાજ ના દૂષણ વાળા બનાવો ની જ્યોતિષીક માર્ગદર્શન ના હેતુ થી આવેલી, આશ્ચર્ય ની વાત એ છે કે આમાં ફસાયેલા યુવાનો સમાજ માં ખુબજ માતબર પરિવાર ના સુખી અને સંપન્ન લોકો છે, તેમની અને તેમના પરિવાર ની આવી આર્થિક, માનસિક અને સામાજિક દુર્દશા જોઈ ને હું રીતસર નો અંદર થી હલબલી ગયો છુ અને મારી અંદર રહેલા એક લેખક ના જીવ ને આના વિષે લખવા થી રોકી શક્યો નહીં, લેખ ના અંત માં  યુવાનો ને એક-બે સલાહ ચોક્કસ આપીશ પોતાના જીવન માં વધુ માં વધુ પારદર્શિતા રાખો, આવક-જાવક ના ચોખ્ખા હિસાબો રાખો, તમારી આવક ની મર્યાદા માં જ રહી ને ખર્ચ કરો, છેલ્લે આપણી  એક  બહુજ અસરકારક  અને દરેક સમયે અને કાળ ને અનુરૂપ  કહેવત સાથે લેખ ને વિરામ આપીશ “પછેડી હોય એટલી સોડ તણાય”.

દિવાળી એટ્લે ખરા અર્થ માં પર્યાવરણ જાળવણી નો તહેવાર

અતુલ્ય ભારત – Incredible India આ શીર્ષક બદલ ભારત સરકાર ને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશ ને એકજ શબ્દ માં રજૂ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય ખુબજ બખૂબી પૂરું કર્યું છે, આ પૂર્વ ભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી પરંતુ મારી અંદર રહેલા લેખક ના જીવ ને છેલ્લા થોડા દિવસ થી સતત અને સતત ઇચ્છા થતી હતી કે દિવાળી જેવો તહેવાર આવેછે તો તેના વિષે કઈક વિશેષતાથી ભર્યું લખાણ લખવું તો છે ( લોકો વાંચે કે નો વાંચે). આ અતુલ્ય ભારત ની સંસ્કૃતિ માં તહેવારો અનિવાર્ય રીતે જોડાયેલા નહીં પણ વણાયેલા છે આ તહેવારો ને જો અલગ કરી નાખવામાં આવે તો શેષ ભારત જેવુ કશું જ બચતું નથી. આપણાં દરેક અલગ અલગ તહેવારો માં પણ બે ત્રણ સામાન્ય બાબતો જોવા મળે છે જેવી કે તેની સાથે જોડાયેલી લોકો ની આસ્થા, ઉજ્જવણી નો આનંદ અને જે તે તહેવાર મનાવા પાછળ એક જન જાગૃતિ નો અને વ્યકિતગત રીતે પણ વ્યકિત ના વિકાસ નો હેતુ. અહિયાં હું જે તહેવાર ની વાત લખી રહયો છુ તે તો આપણાં બધા હિન્દુ તહેવારો નો રાજા અને નારી જાતિ માં વિચારો તો રાણી ગણાય છે, ધન તેરસ થી શરૂ કરી ને લાભ પાચમ સુધીના લગાતાર આઠ દિવસ ના તહેવારો ની હારમાળા વિશ્વ ની કોઈ સંસ્કૃતિ કે દેશ પાસે નહીં હોય આ દરેક દિવસ નું પાછું ઍક અલગ અને આગવું મહત્વ રહેલું છે આ બધુ તો હું અને તમે માત્ર જાણતા જ નથી પરંતુ વર્ષો થી માણીએ પણ છીએ, અહિયાં મારે ખાસ જે વાત આપ સૌ સાથે શેર કરવાની છે તે એ છે દિવાળી પહેલા કરવામાં આવતી તેની સર્વગ્રાહી તૈયારી અને તેની પાછળ ના વૈજ્ઞાનિક અભિગમ ની, પર્યાવરન જાળવળી ની વિ. ની. દિવાળી ના તહેવાર ની પૂર્વા તૈયારીઓ જોશો તો તેમાં કેવળ અને કેવળ સ્વછતા અને પર્યાવરન જાળવણી નો અદભૂત વૈજ્ઞાનિક સમન્વય જોવા મળશે, મારા અને તમારા નાનપણ ના દિવસો ને યાદ કરીએ તો આપણાં બધા ના ઘર માં નવરાત્રિ પૂરી થતાં જ સાફ સફાઈ ની એક સામૂહિક જુંબેસ શરૂ થઈ જતી સામૂહિક એટલા માટે કહું છુ કે અડોસ-પડોસ માં શેરીઓ માં અને આ રીતે સમગ્ર ગામ કે શહેર માં લોકો સ્વેચ્છા એ જોડાઈ જતાં અને દરેક ઘર માં પણ દરેકે દરેક સભ્ય ને તેની ઉમર કે આવડત ના પ્રમાણે સફાઈ નું કામ સોપી દેવામાં આવતું અને આ રીતે દરેક દેશવાસી માં સફાઈ ના ગુણો નું આરોપણ કરવાનું અદભૂત કામ દેશ ની સંસ્કૃતિ સાથે વણાઈ ગયું હતું. સાફ સફાઈ ની આ જુંબેસ ને હું પર્યાવરન સાથે એટલા માટે જોડું છુ કે તે જુંબેસ કેવળ કચરા-પોતા સુધી ની મર્યાદિત ન હતી આ જુંબેસ ઘર માં રહેતા અને વિશાળ અર્થ માં દેશ માં રહેતા દરેક વ્યકિત ના રૂમ પૂરતી ન હતી પરંતુ ઘર માં રહેલું દરેક ટેબલ અને તેમાં રહેલા ખાનાઓ ને જોઈ તપાસી ને જો તે નકામી/જૂની હોય તો તે ને કચરા માં નાખી ને તેની જગ્યા એ નવી અને ઉપયોગી વસ્તુ માટે જગ્યા કરી આપવાની વૈજ્ઞાનિક રીત અને પરંપરા, હું આને વૈજ્ઞાનિક એટ્લે કહું છુ કારણ કે શ્રુસ્ટી નો અફર નિયમ છે “વિસર્જન વિના નવસર્જન શક્ય નથી”.

આમ આ રીતે દિવાળી નું આગમન કોઈ રાજા મહારાજા જેવુ ભવ્ય હોય છે, છડી પોકારતું, સમગ્ર જન માનસ ને ઢંઢોળતું આવેછે. મારી દ્રષ્ટિ એ આ તહેવાર ની સૌથી ઉપયોગિતા એ છે કે સમગ્ર જન માનસ પ્રફુલ્લિત થઈ જાય છે લોકો નું હૈયું નાચવા માંડે છે, લોકો પોતાના બધાજ દુખ અને દર્દો ભૂલી જાય છે, મનમાં વ્યાપેલી ઘોર નિરાશા ઑ માથી પણ બહાર આવી જાય છે આમ દિવાળી માં કેવળ ઘર ની સફાઈ થતી નથી પરંતુ સૂક્ષ્મ રીતે માનવી ના મન માં લાગેલા નિરાશા રૂપી, ભય રૂપી કચરા ઑ પણ સાફ થઈ જાય છે એક રીતે મન નો મેલ ધોવાઈ જાય છે આમ ભારત નો માનવી નવા વર્ષ થી બધુ આગલું પાછલું ભૂલી ને એક નવી તાજગી સાથે પોતાના જીવન માં પરોવાઈ જાય છે. આ વૈજ્ઞાનિક અભિગમ ને લઈ ને જ ભારત માં હાલ ના છેલ્લા થોડા વર્ષો ને બાદ કરતાં ક્યારેય માનસિક નિષ્ણાતો ની કે માનસિક ડોક્ટરો ની બહુ જ નહિવત આવશ્યકતા રહેતી કારણ કે આ તહેવારો માં એ જબરજસ્ત તાકાત હોય છે કે લોકો ના મન માં રોગો ને પ્રવેશ વા દેતા નથી અને રખે ને જો કોઈ ને મનોરોગ લાગુ પડ્યો હોય તો દિવાળી જેવા તહેવારો આવતા જ આ રોગો દૂર થઈ જાય છે તહેવારો ની થતી પરંપરાગત ઉજ્જવણીઓ માં દરેક લોકો ને સહભાગી કરવાની પ્રથા હોય છે આથી બધા જ લોકો ના મન અને હૈયા માં એક ગજબ નો ઉમંગ વ્યાપી જાય છે ચારે તરફ હર્ષો ઉલ્લાહશ જોવા મળે છે. આમ દિવાળી ના તહેવાર ની પૂર્વ તૈયારી થી લઈ ને ઉજજવણી સુધી ના બધાજ રિવાજો એ આજ સુધી તો ભારતીય લોકો ને કોઈ પણ પ્રકાર ના નાના-મોટા માનસિક રોગો થવા દીધા નથી અને આ વાત માં કોઈ સંદેહ નથી તેથી જ તો આપણે સૌ આનંદ ની પરાકાષ્ટા ની અનુભતી દિવાળી ના દિવસો માં જેટલી અનુભવતા હોઇ  છી તેટલી કદાચ વર્ષ ના અન્ય કોઈ દિવસે અનુભવતા નથી.

HAPPY NEW YEAR TO ALL

જ્યોતિષ વિજ્ઞાન, વિદ્યા કે ચમત્કાર

વર્ષોથી લોકોના મનમાં ઘુટાતો અને સમાજ માં, ટેલિવિજન ની ડિબેટ માં ચર્ચાતો આ પ્રશ્ન છે, આ વર્ષ માજ સદી(૧૦૦ વર્ષ) માં એક વાર બનતી ઘટના એટ્લે સૌથી લાંબા ચંદ્ર ગ્રહણ ની અદભૂત ઘટના કે જે નિહાળવાની આપણને સૌને તક મળી ત્યારે લગભગ બધી જ ન્યૂજ ચેનલ ઉપર ચાલતી આ અંગેની ડિબેટ ની  પેનલ માં ૧ જ્યોતિષી અને ૧ સાયંટિસ્ટ કોમન રહેતા હતા અને પ્રશ્ન મૂલત: આજ હતો કે જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન, વિદ્યા કે ચમત્કાર? અને હામણાજ આવનાર દિવાળી બાદ નવું વર્ષ શરૂ થતા જ બધા વર્તમાન પત્રો માં રાશિવાર વાર્ષિક ભવિષ્ય ના લેખો આવશે અને ઘરે ઘરે ખૂબ વંચાશે, આ પેચિદા વિષય ઉપર લખવાનો મને થોડો હક ચોક્કસ છે કારણ કે લખનાર કોમપ્યુટર સાયન્સ વિષય નો અભ્યાસ અને અનુભવ બંને ધરાવે છે વધુમાં જ્યોતિષશાસ્ત્ર ને પોતાની હોબી તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સ્વીકાર્યુ છે. અને જ્યોતિષશાસ્ત્ર ને એના મૂળ અને વેજ્ઞાનિક રૂપ માં સમજવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. હવે આપણી વાત ના મૂળ વિષય ઉપર આવીએ તો, જ્યોતિષશાસ્ત્ર એ મૂળભૂત રીતે છે શું? જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાન અને વિદ્યા નો સમન્વય છે. જે જન્મ કુંડળી બનાવામાં આવે છે તે બીજું કશુ જ નથી પરંતુ બાળક નો જે, સમય, સ્થળે અને તારીખે જન્મ થયો હોય છે તે સમય, સ્થળ અને તારીખ નો આકસી નક્શો માત્ર છે જે સંપૂર્ણ ખગોળ વિજ્ઞાન(Astronomy) છે. કુંડળી માં દર્શાવાતા બધાજ ગ્રહો(રાહુ અને કેતુ સિવાય) ને આપણે જોઈ શકીએ છીએ સૂર્ય અને ચંદ્ર તો આપણ જીવન સાથે અનિવાર્ય રીતે જોડાયેલા છે તેના વગર તો માનવ જીવન ની કલ્પના પણ ન કરી શકાય, હાલ ના સમય માં તો બે ત્રણ ગ્રહો  ને બાદ કરતાં લગભગ બધાજ ગ્રહો પર સ-માનવ અથવા તો માનવ રહિત યાન મોકલી શક્યા છીએ આમ જ્યોતિષ નો મોટો હિસ્સો તો સંપુર્ણ વિજ્ઞાન જ છે જેના વિષે લેસ માત્ર પણ શંકા ન થઈ શકે તેવું સાબિત થયેલું સત્ય છે, હવે વાત કરિએ જ્યોતિષશાસ્ત્ર ના બીજા હિસ્સા ની તો તે પણ એક પ્રકાર નું  વિજ્ઞાન જ છે એવું વિજ્ઞાન કે જેની સાથે આપાણો ધર્મ અને તર્ક જોડાયેલા છે, આપણે આ વાત ને એક ઉદાહરણ થી સમજીએ જે રીતે એક ડોક્ટર પોતાને ત્યાં આવતા દર્દી ની ફરિયાદો સાંભળી ને તે મુજબ ની દવા આપેછે ત્યારે તે વાસ્તવ માં ત્રણ વિદ્યા (જાણકારી) નો સમન્વય કરી પોતાના જ્ઞાન અને અનુભવ ના નિચોડ થી તેને સાજો કરેછે, જેમાં તે શરીર ની રચનાનું જ્ઞાન, રોગોના લક્ષણો નું જ્ઞાન અને દવા અંગે નું જ્ઞાન આ આખી પ્રક્રિયાનું પણ ખુબજ સાક્ષી ભાવે મૂલ્યાંકન કરીએ તો કોઈ ડોક્ટર પોતાને ત્યાં આવતા બધા દર્દી ને સાજા કરી શકતા  નથી અને જેટલા સાજા થયા હોય છે તેમાના બધા ની કઈ બધી જ તકલીફો દૂર થઈ જતી નથી આમાં ડોક્ટર ને કે મેડિકલ સાયન્સ ને દોષ દેવાની કે તેને ઓછું આંકવાની  કોઈ વાત કે ભાવના નથી માત્ર સરળ સમજ માટે ઉદાહરણ લીધેલ છે, આપણે બધા એ સમજીએ છીએ કે દરેક વિજ્ઞાન ને પણ પોતાની મર્યાદાઓ હોય જ છે.

એ જ રીતે જ્યોતિષીઓ પણ પોતાને ત્યાં આવતા જાતકો (કુંડળી જોવડાવનાર વ્યકિત) ની કુંડળી જોઈ તેને યથાયોગ્ય માર્ગદર્શન આપેછે, જેમાં તે ખગોળ વિજ્ઞાન ની જાણકારી અને વધુ માં ગ્રહો ની માનવ જીવન ઉપર થતી અસર ની જાણકારી કે જે આપણાં ખુબજ પ્રાચિન અને પવિત્ર શાસ્ત્રોના માધ્યમથી ઋષિ મુનિઓ એ આપણાં સુધી પહોચાડી છે તે બધા નો સમન્વય કરી જ્યોતિષી પોતાના અનુભવ, તર્ક (Logic) અને જ્ઞાન ના નિચોડ રૂપે આગાહી (prediction) કરે છે અને આમાં તે ઘણી વાર ખોટા પણ પડે છે તે બાબત ની જાણ તેને પોતાના જાતક ને વહેલી કરી દેવી જોઈએ, દરેક વખતે તે સાચો પડશે તેવું નથી, જ્યોતિષીએ અભ્યાસુ બનવું જોઈએ અને નિખાલસતાથી જે બાબત ઉપર પોતાનો ઊંડો અભ્યાસ નો હોય તે ની ના પાડવાની શક્તિ કેળવવી જોઈએ અહિયાં શાસ્ત્ર નિષ્ફળ ઓછું જાય છે પણ જ્યોતિષીઓ ખુદ વધારે નિષ્ફળ જતાં જોવા મળેછે બીજું જન્મ સમય બાબતે ચોકકસતા નો અભાવ પણ એક મોટું કારણ છે. આમ આટલા વર્ષો ની માથા પચ્ચીસી પછી એટલું કહી શકાય કે જ્યોતિષશાસ્ત્ર પણ વિજ્ઞાન અને વિદ્યા નો સમન્વય છે. પણ હા કોઈ ચમત્કાર કરે એવું સસ્તું જ્ઞાન કે અંધશ્રદ્ધા થી ભરેલું શાસ્ત્ર નથી. અને સારા જ્યોતિષી થવું એટલું સરળ કે સહેલું પણ નથી તેના માટે ઊંડો અભ્યાસ અને પોતાની તર્ક શક્તિ હોવી ખુબજ જરૂરી છે. અહિયાં નીચે આપેલ લિન્ક ઉપર કુંડળી સરળતાથી કેમ જોવી તે વિષે લખનાર નો પોતાનો એક ટયુટોરિયલ વિડીયો યુ ટયુબ ઉપર  મૂકેલો છે મને આશા છે કે આપ સૌને તે ખુબજ ગમશે અને હા તે ને લાઇક કરવાનું, અને અમારી યુ ટયુબ ચેનલ કે જેનું નામ “જ્યોતિષ પાવર” છે તેને સબસ્ક્ર્રાઈબ કરવાનું  ભૂલશો નહીં.

Wishing a very bright and happy future to all readers/viewers.