આજના લેખનો વિષય થોડો ઓફબીટ ચોક્કસ છે, હું સ્વયં પણ જ્યોતિષ ના વિષય સાથે બ્લોગ ઉપર લેખ લખવો કે નહીં તે બાબતે અવઢવમાં હતો પરંતુ પરિવાર સાથે જ્યારે આ વાત શેર કરી તો મારા મોટા ભાઈ એ સરસ પ્રત્યુતર આપ્યો કે વર્તમાનપત્રોમાં છેલ્લા દાયકાઓથી જ્યોતિષ વિષયક લેખો સમયાંતરે પ્રસિધ્ધ થતા રહે છે અને લોકો વાંચે પણ છે તો શા માટે તારા જેવા અભ્યાસુ જ્યોતિષીએ બ્લોગ ઉપર લખવા બાબતે અચકાવું  જોઈએ, તેમના આ સૂચન સાથે સમંત થઈ,  હમણાં જ ગ્રહમંડલ માં થનારા ખુબજ મોટા ફેરફારની અને તેની થનાર અસરો ને આપ સૌ સાથે વહેંચવાનું નક્કી કર્યું, આ ફેરફાર એટલે તારીખ 7 માર્ચ 2019 ના રાહુ ગ્રહ કર્ક રાશિ છોડી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ કેતુ ગ્રહ મકર રાશિ છોડી ધન રાશિમાં પ્રવેશ કરશે અને તે લગભગ ૧૮ મહિના સુધી મિથુન રાશિ અને ધન રાશિમાં રહે શે રાહુ અને કેતુ બંને ગ્રહોને જ્યોતિષ શાસ્ત્ર માં ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ બંને ગ્રહો ની વિશેષતા એ છે કે તે  હંમેશા વક્રી  ચાલે છે એટલે કે રિવર્સ મા ગતિ કરે છે જ્યારે અન્ય ગ્રહો સીધા ચાલે છે બીજું બંને ગ્રહો હિન્દુ મયથોલોજી મુજબ  એકબીજાથી અલગ છે પરંતુ એક બીજાના પુરક પણ છે રાહુ એટલે માત્ર માથું જ્યારે કેતુ એટલે માત્ર ધડ આમ રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયામાં કેવા કેવા ફેરફારો થઈ શકે, તે આપણે શાસ્ત્ર મુજબ  જોઈએ, શાસ્ત્ર મુજબ રાહુ ગ્રહ મિથુન રાશિમાં ઉચ્ચનો ગણાય છે મારો પોતાનો અનુભવ કહું તો રાહુ મિથુન રાશિ, વૃષભ રાશી અને કુંભ રાશિમાં હંમેશા સારુ પરિણામ આપતો જોવા મળ્યો છે રાહુ ની અસર નો વિચાર કરતા પહેલા આપણે તેની લાક્ષણિકતાઓ પણ જાણી લેવી જોઈએ રાહુ હંમેશા વ્યક્તિને ખોટું ચિત્ર દેખાડે છે એટલે કે વાસ્તવિક સ્થિતિ નું દર્શન કરાવતો નથી, મને જ્યોતિષ વિજ્ઞાન શીખડાવનાર મારા વિદ્વાન ગુરુ હંમેશા કહેતા ગ્રહો ક્યારેય આપણને લાકડીથી મારતા નથી પરંતુ ખોટું ચિત્ર દેખાડી ખોટા નિર્ણયો લેવડાવી નુકસાન પહોંચાડે છે જે બાબત  રાહુ મા સો ટકા સાચી  પડે છે, રાહુ માયાવી ગ્રહ છે, કેતું પણ અશુભ ગ્રહ જ છે, તે પણ કુંડળીના જે સ્થાનમાં હોય ત્યાં નુકસાન કરે જ છે  પરંતુ રાહુ વધુ બદનામ છે એટલા માટે કે તે માથું છે આથી તેમાં મગજ સમાયેલો હોય છે, આથી રાહુ પ્રધાન લોકો કૂળ, કપટ, અને કાવતરામાં નિપૂર્ણ હોય છે જ્યારે કેતુ વ્યક્તિને ધાર્મિકતા તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હવે જોઈએ તેની દેશ અને દુનિયા ઉપર થનારી અસરો,  કાળપુરુષની કુંડળીમાં મિથુન રાશિ ત્રીજા નંબર ની રાશિ હોય, રાહુ ગ્રહ ત્રીજા સ્થાનમાં છઠ્ઠા સ્થાન અને અગિયારમા સ્થાનમાં ખૂબ જ સારું પરિણામ આપતો જોવા મળ્યો છે મિથુન રાશિ બુધ ના ઘરની રાશિ હોય, બુધ બુદ્ધિનો, જ્ઞાનતંતુ નો અને વાણી નો કારક છે, કોમ્યુનિકેશન બુધ ની હદ માં  આવે છે,  આમ રાહુ મિથુન રાશિમાં આવતા એમ કહી શકાય કે કોમ્યુનિકેશન ટેકનોલોજી માં મોટી ક્રાંતિ આવે ઓનલાઈન વેપારમાં વધારો થાય અને નોકરી અને ધંધા માં સાયન્સ અને ટેકનોલોજી નો ઉપયોગ વધશે, જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા રહેશે તેમને ચોક્કસ ફાયદો થશે અન્યથા તેઓ પાછળ રહી જશે અને પોતાની નોકરી કે ધંધો પણ ગુમાવનો વારો આવી શકે.  હવે આપણે રાશી વાર વિચાર કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર સાથે થોડા પણ જોડાયેલા લોકો હંમેશા એ બાબતે મૂંઝવણ માં  હોય છે કે  ચંદ્ર થી ગોચર જોવું?  કે લગ્ન થી ગોચર જોવું શ્રેષ્ઠ છે? તેનો સાચો ઉકેલ એ  છે કે ચંદ્ર અને લગ્ન બંને થી ગોચર જોવું જોઈએ બન્ને ના હેતુઓ અલગ અલગ છે,  જ્યારે આપણે ચંદ્ર થી ગોચર જોઈએ છીએ ત્યારે વ્યક્તિની માનસિકતા  ને કેન્દ્રમાં રાખીને વિચાર કરીએ છીએ અને જ્યારે લગ્નથી ગોચર જોઈએ છીએ ત્યારે તેના દેહભાવ અને અન્ય ભૌતિક બાબતો નો વિચાર  કરીએ છીએ, પરંતુ હું અહીંયા આપ સૌને ચન્દ્રથી ગોચરનો રાહુ રાશિ વાર કેવું ફળ આપશે તે  ખુબ જ સંક્ષિપ્તમાં જણાવીશ.

મેષ : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ જો એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે તે “સોના નો સુરજ લઈને આવશે” તેમને હરવા ફરવાના યોગ થશે નવા સાહસો કરી શકશે.

વૃષભ : આ રાશિવાળા જાતકોને બીજે આવતો રાહુ મિશ્ર ફળ નો અનુભવ કરાવશે, આર્થિક બાબતો અથવા તો કૌટુંબિક બાબતો બેમાંથી એક માં વિવાદ ની શક્યતા રહે, વાણી માં સંયમ જાળવવો જરૂરી છે.

મિથુન : આ રાશિ વાળા જાતકોને પોતાની ઉચ્ચ રાશિમાં રાહુ નું પરિભ્રમણ ફાયદો કરાવે, છતાં રાહુ અશુભ ગ્રહ હોય ક્યારેક આભાસી ચિત્ર બતાવી નુકસાન કરાવી શકે.

કર્ક : આ રાશિ વાળા જાતકોને મિથુન રાશિ નો રાહુ નિશ્ચિત રીતે સારુ ફળ આપશે નહીં કારણ કે આ રાશિના જાતકો બારમા રાહુ ના બંધન માં આવશે, નાની-મોટી બીમારી, અકસ્માત કે કોર્ટ-કચેરી સંબંધિત મુશ્કેલી આવી શકે, ખર્ચ માં વધારો થાય.

સિંહ : આ રાશિ વાળા જાતકોને મિથુન રાશિ નો રાહુ  નિશ્ચિત રીતે સારું ફળ આપશે, તેમને લાભ સ્થાન એટલે કે અગિયારમા સ્થાનમાં પરિભ્રમણ કરતો હોય આવા જાતકોને મિત્રોથી તેમજ અન્ય બાબતોથી લાભ થઈ શકે.

કન્યા : આ રાશિ વાળા જાતકોને 10 મે રાહુ નું પરિભ્રમણ મિશ્ર ફળ આપશે નોકરી-ધંધામાં સ્થાન ફેર થઈ શકે, પિતાની તબિયત બાબતે ચિંતા રહે.

તુલા : આ રાશિ વાળા જાતકો માટે રાહુ નું પરિભ્રમણ નુકસાનકારક નહિ હોય શુક્રના ઘરમાં રાહુ અશુભ ફળ આપશે નહીં નાની-મોટી મુસાફરી કે યાત્રા કરાવી શકે.

વૃશ્ચિક : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ આઠમે પરિભ્રમણ કરવાનો હોય તે દરમિયાન જાતકને પડવાનો તેમજ વાગવાનો ભય રહે.

ધન : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ સાતમે પરિભ્રમણ કરનાર હોય પત્ની સાથે કે પાર્ટનર સાથે વાદ વિવાદ વધે.

મકર : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ શુભ ફળ આપીને જાય રોગ અને શત્રુ નો નાશ થાય કોર્ટ, કચેરીના કામોમાં સફળતા મળે.

કુંભ : આ રાશિ વાળા જાતકોને મિથુનનો રાહુ પાંચમા સ્થાને પરિભ્રમણ કરશે જે જાતકને તેના ભૂતકાળ ના કરેલા કર્મ પ્રમાણે ફળ આપશે અર્થાત શુભ કર્મ હશે તો શુભ ફળ મળશે, અશુભ કર્મ હશે તો અશુભ ફળ મળશે.

મીન : આ રાશિ વાળા જાતકોને મિથુન નો રાહુ ચોથે પરિભ્રમણ કરશે, શાસ્ત્ર મુજબ ચોથે રાહુ અશુભ ફળ આપે આ સમય દરમિયાન સ્થાવર મિલકતો ને લઈ ને પ્રશ્નો થઈ શકે, માતા બાબતે ચિંતા રહે.

One thought on “રાહુનો મિથુન રાશિમાં અને કેતુનો ધન રાશિમાં પ્રવેશ ની શુભ-અશુભ અસરો

  1. બહુ જ સરસ લખાણ છે. સરળ અને સાદી ભાષામાં સમજાય તેવી રીતે લખેલુ હોવાથી જ્યોતિષ વિશે જ્ઞાન ન હોય તેવા લોકોને પણ સમજાઈ જાય તેમ છે અભિનંદન

    Like

Leave a comment